



ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારોમાં ૧૨૧ જેટલા સેન્ટરો પર મેગા વેક્સિનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને કોરોના વાયરસની સામે સુરક્ષા આપવા માટે વારંવાર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.
આજરોજ આરોગ્ય વિભાગ ધ્વારા અંકલેશ્વર શહેર, જીઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૧ જેટલા સેન્ટરો ઉભા કરી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઈલ ટીમો ધ્વારા પણ અંકલેશ્વર તાલુકામાં વેક્સિનનો ડોઝ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. યુવા અન્ન સ્ટોપેબલ સંસ્થા ધ્વારા વેક્સિનનો ડોઝ લેનાર વ્યક્તિને વિનામૂલ્યે એક લિટર ખાદ્યતેલનું વિતરણ ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું. આ વેળાએ પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સુશાંત કઠોરવાલા, નગરપાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, આગેવાન પદાધિકારીઓ સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આજે અંકલેશ્વર તાલુકામાં યોજાયેલા મેગા વેક્સિન ડ્રાઈવમાં તાલુકાના ૧૨૧ જેટલા સેન્ટરોમાં સાંજે ૦૫:૦૦ કલાક સુધીમા ૧૮૬૧૮ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તે સાથે સમગ્ર ભરૂચ જિલ્લામાં સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ૨૩૫૮૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી