ચેરિટી તંત્ર ગુજરાત રાજ્ય, જાહેર ટ્રસ્ટો નોંધણી કચેરી ભરૂચની નવનિર્મિત “ચેરિટી ભવન”નું મહેસુલ, આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદહસ્તે તકતીનું અનાવરણ કરી તેમજ રીબીન કાપીને લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્યશ્રી સંજયભાઈ સોલંકી, કાયદા સચિવશ્રી મિલન દવે, જિલ્લા કલેક્ટરશ્રી તુષારભાઈ સુમેરા, અમદાવાદના ચેરિટી કમિશનરશ્રી વાય.એમ.શુકલ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નવા મકાનનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યા બાદ ચેરિટી ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ અવસરે યોજાયેલા કાર્યક્રમનું દિપપ્રજ્વલન કરી કાયદા મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓ વધુને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બને તે માટે કાર્યક્ષમ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ચેરિટી ભવનના નિર્માણથી લોકોપયોગી કાર્યો થાય, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી અપેક્ષા સેવી નવનિર્મિત ભવનના નિર્માણ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ ભરૂચના વકીલમિત્રો સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા ચેરિટી ટ્રસ્ટ્નો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે લોકોના નાણાંથી ચાલતાં તમામ ધર્મસ્થાનોની નોંધણી થવી જોઈએ અને તેની કાળજી ચેરિટી કચેરીએ કરવી જોઈએ. ચેરિટીના તમામ પ્રશ્નો અંગે લોક અદાલત યોજાય અને પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ભારપૂર્વક જણાવી વકીલશ્રીઓના સહકારની અપેક્ષા સેવી હતી.
નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઈ પટેલે જાહેર ટ્ર્સ્ટનો નોંધણી કચેરી ભરૂચ ખાતેના નવનિર્મિત ચેરિટી ભવનના લોકાર્પણ પ્રસંગે સૌને શુભકામના પાઠવી જાહેર ટ્રસ્ટોની સમાજ જીવનમાં મહત્વની ભૂમિકા રહેતી હોય છે. તેમણે વડોદરા જિલ્લામાંથી ભરૂચ જિલ્લાનું વિભાજન થતાં જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરી – ભરૂચની વિવિધ કામગીરીની વિગતે માહિતી આપી હતી.
વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ પ્રાસંગિક ઉદબોધનમાં નવનિર્મિત ચેરિટીભવંન પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી. પ્રારંભે અમદાવાદના ચેરિટી કમિશનરશ્રી વાય.એમ.શુક્લએ સ્વાગત પ્રવચન કરી ચેરિટીતંત્રના ઉદ્દેશો અને કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં આભારવિધિ ભરૂચના મદદનીશ ચેરિટી કમિશનશ્રી ડી.બી.જોષીએ કરી હતી. આ વેળાએ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું વકીલ મંડળ સહિત વિવિધ ટ્રસ્ટી મંડળ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારીઓ, સૂરત – વડોદરા વિભાગના ચેરિટી કમિશનરશ્રીઓ, જિલ્લાના વિવિધ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ, સાધુસંતો, વકીલ મંડળના હોદ્દેદારો, વકીલશ્રીઓ અને ચેરિટીતંત્ર ભરૂચ કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી