કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા. પિરામણ ગામ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
અહેમદ પટેલની કબર પર ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તમામ મહાનુભાવોએ પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ હાજર રહ્યા હતા.સર્વધર્મના ધર્મગુરુઓએ પ્રાર્થના કરી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી