રૂપિયા 16 કરોડના ઇન્જેક્શન માટે સમાજમાંથી સારથીઓ નહિ મળતા લીધા અંતિમ શ્વાસ
અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવાર તેમના 3 મહિનાના માસૂમ બાળક પાર્થને ગંભીર બીમારીથી બચાવવા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી માટે રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનની વ્યવસ્થા ન થતાં માસુમ પાર્થ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પાર્થને SMA (સ્પાઇન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી હતી. રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક સંગઠનો, સમાજ અને લોકોએ તેની મદદ માટે મુહિમ ઉપાડી હતી. પવાર પરિવાર અંકલેશ્વરમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરે છે, જ્યારે પાર્થના પિતા જીગલ પવાર હાલ મહારાષ્ટ્રમાં જ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ લગાવવા છતાં ઇન્જેક્શન માટે રૂપિયા 16 કરોડ એકત્ર થઈ શક્યા નહોતા. જેને ધ્યાનમાં લઇ એકના એક પુત્રને જીવાડવા અને આ બીમારીમાંથી ઉગારી લેવા પરિવારે લોકો પાસે આર્થિક સહાય માટે હાથ લંબાવ્યા હતા.
પરિવારજનો દ્વારા સંબંધીઓ, ઓળખીતા સહિત અન્ય પાસેથી રૂપિયા એકત્ર કરવા ફંડ રેઈઝિંગ માટે પ્રયાસો આદરાયા હતા. છેલ્લા કેટલાક સમયથી પાર્થ માટે મુહિમ ચાલતી હોવા છતાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અને ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લા સહિત દેશમાંથી રૂપિયા 16 કરોડ ભેગા થઈ શકે તેવા કોઈ સારથી મળ્યા ન હતા. જેને લઈ આજે માસૂમ પાર્થે જીવનનો સાથ છોડી દેતા પવાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી