હવામાનમાં ઈન્વર્ઝન નહીં થતાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા બગડી રહી છે. અંકલેશ્વરની હવા અત્યંત પ્રદુષિત બનતા સતત ત્રણ દિવસે સુધી રેડ ઝોનમાં રહ્યું હતું. 10 નવેમ્બરે 333 AQI (એર ક્વોલિટી ઈન્ડેક્ષ), 11 નવેમ્બરે 332 અને 12 નવેમ્બરે 313 AQI નોંધાયો હતો. જેથી લોકોને શ્વાસોચ્છવાસમાં પણ તકલીફ પડી રહી છે. છેલ્લા 15 દિવસથી સતત ઓરેન્જ ઝોનમાં AQI રહ્યા બાદ હવે રેડ ઝોનમાં આવતા લોકોના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી વાગી રહી છે. હવામાં રહેલા ડસ્ટનું પ્રમાણ પણ વધ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ, એસ.ઓ.2 , એન.ઓ.2 અને એન.એચ.3 ની માત્રા પણ વધી છે.
શિયાળાનું ઠંડુ વાતાવરણ થતાં પુનઃ અંકલેશ્વરનું હવામાન બગાડ્યું છે. ખાસ કરીને શિયાળામાં હવામાં રહેલા પી.એમ.2.5, પી.એમ 10. એન.ઓ.2 એન.એચ. 3 , એસ.ઓ.2 સી.ઓ. સહિતના તત્વો જમીન લેવલ પર રહેતા તેનું ઈન્વર્ઝન નહીં થવાના કારણે હવા પ્રદુષણ વધ્યું છે. ખાસ કરી ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા અને તેમાં પણ કોલસા આધારિત ઉદ્યોગોમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ સમસ્યા સર્જી રહ્યો છે. સૌથી વધુ સમસ્યા પી.એમ.2.5 અને પી.એમ 10 ને લઇ જોવા મળી રહી છે. ધૂળની રજકરણ સહિતના પાર્ટિકલની માત્રા પણ વધી છે.
અંકલેશ્વરમાં બે મહિનાની સ્થિતિ પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં શિયાળની શરૂઆત સાથે જ હવાનું સ્તર બગડવાની શરૂઆત થઇ હતી. ઓક્ટોબર માસમાં માત્ર 3 દિવસ ગ્રીન ઝોન એટલે શુદ્ધ હવા જોવા મળી હતી. જયારે 11 દિવસ યલો અને 13 દિવસ ઓરેન્જ ઝોનમાં AQI નોંધાયો હતો.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી