



વાલિયા તાલુકાના બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા 7 દિવસની સારવાર બાદ સુરત ખાતે પિતાનું મોત નીપજતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાલિયા બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગ કરે છે. ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા ગત 3 નવેમ્બરે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં તે લોકોએ ગઈકાલે તારા શેઠની ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી એમ કહીને યુવક સાથે ઝઘડો કર્યો હતો. યુવાને ત્રણેયને અપશબ્દો બોલવાનું ના કહેતા તેઓ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં તેમણે યુવકને ચપ્પુના બે ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા હતા. જેમાં પુત્રને છોડાવવા પિતા ભારમલ વસાવા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ ભારમલ વસાવાને સુરત ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું 7 દિવસની સારવાર બાદ મોત થતા વાલિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીને ઝડપી પાડવા તજવીજ આરંભી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી