જંબુસર તાલુકાનાં અણખી ગામે દૂધડેરીમાં દૂધ ભરાવા ગયેલા મહિપાલસિંહ નામના વ્યક્તિની સંચાલકો સાથે બોલાચાલી થતાં 4 વ્યક્તિઓએ તેને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે પીડિતે જંબુસર પોલીસ મથકે 4 ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રો અનુસાર આજે શુક્રવારના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ ફરિયાદી મેહુલસિંહ સિંધા અણખી ગામની સહકારી દૂધડેરીમાં દૂધ ભરાવા માટે ગયા હતા. તેમની સાથે તેમના મામા પ્રવિણસિંહ મોહનસિંહ પણ ત્યાં દૂધ ભરાવા આવ્યા હતા. તે દરમિયાન તેમણે દૂધડેરીના સેક્રેટરી જગદીશ જશભાઈ પટેલને દૂધના ફેટ કાઢવા જણાવતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તમારા દૂધના ફેટ નહીં નીકળે તેમ કહીને ગેરવર્તન કરતાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના પછી સેક્રેટરી જગદીશ પટેલ પ્રવિણસિંહને મારવા જતાં દીકરો મહિપાલસિંહ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો.
જેથી દૂધડેરીમાં અન્ય હાજર લોકો નંદકુમાર પિયુષ પટેલ, ઉમેશ ડાહ્યા પટેલ, પિયુષ ગોરધન પટેલે અપશબ્દો બોલી પિતા અને પુત્રને ગડદાપાટુનો માર માર્યો હતો. મહિપાલસિંહને નંદકુમારે હાથમાં પહેરેલું લોખંડનું કડું માથાના ભાગે મારતા મહિપાલસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે જંબુસર પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી