અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદના પગલે ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ખેડૂતો મોટાપાયે ડાંગરનું વાવેતર કરે છે. આ વર્ષે અંકલેશ્વર તાલુકામાં અંદાજે 2200 હેક્ટર જમીનમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે 1300 હેક્ટર જમીનમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ચોમાસાની શરૂઆતમાં વરસાદ સામાન્ય રહ્યો હતો. જે બાદ વધુ વરસાદ થતા મોટા પ્રમાણમાં ડાંગરના ઉભા પાકમાં પાણી ભરાઈ જવાને કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ઉભા પાકની કાપણી દરમિયાન ફરી ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોને ડાંગર કાપણી પાછળ ઠેલવાની નોબત આવી હતી. તેમજ પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયુ હતું. જેને પગલે ખેડૂતોએ ખેતીવાડી વિભાગમાં જાણ કરી હતી. વિભાગ દ્વારા હાલ સર્વેની કામગીરી હાથ ધરી છે. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી