રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલ બાઈક રેલી આજે ભરૂચના ઝાડેશ્વર ખાતે સાંઈ મંદિરે આવી પહોંચતા ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીમતિ શૈલાબેન પટેલ, નાયબ કલેક્ટરશ્રી એન.આર.પ્રજાપતિ સહિત આગેવાન પદાધિકારીઓ, ગામ આગેવાનો, પોલીસ કર્મચારીઓ ધ્વારા ફુલ-હારથી બાઈક સવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઈક રેલી આગળ ધપતાં ઉન્નતિ વિદ્યાભવન, મક્તમપુર કૃષિ કોલેજ, કર્મઠ ગૃપ કસક ફુવારા પાસે, ભોલાવ બ્રીજની નીચે બાઈક સવારોનું ફુલ-હાર પહેરાવી સ્વાગત કરાયું હતું.
ભોલાવ એસ.ટી. ડેપો પાસે સ્વાતંત્ર્ય સેનાની શ્રી ક્રિષ્નકાંત મજમુદારને બાઈક સવારો તથા નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ અને આગેવાન પદાધિકારીઓ દ્વારા પુષ્પમાળા પહેરાવી વંદન કર્યા હતા. ત્યાંથી બાઈક રેલી આગળ વધતાં રેલ્વે સ્ટેશન પર આંબેડકર પ્રતિમાને બાઈક સવારોએ ફુલ-હાર પહેરાવી વંદન કર્યા હતા. ઠેર ઠેર બાઈક રેલીનું રસ્તામાં નગરજનો દ્વારા સ્વાગત કરાયું હતું. રેલ્વે સ્ટેશનથી આગળ વધતાં બાઈક રેલી શબરી શાળા, જિલ્લા પંચાયત-પાંચબત્તી થઈ સેવાશ્રમ ખાતે પહોંચી હતી ત્યાં બાઈક સવારો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી વંદન કરી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. સેવાશ્રમ રોડ ખાતે સર્વધર્મના નાગરિકો દ્વારા બાઈક સવારોનું ફુલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સ્ટેચ્યુ પાર્ક ખાતે બાઈક સવારોએ સરદાર-ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી વંદન કર્યા હતા.
બપોર બાદ ભરૂચના પંડિત ઓમકારના ઠાકુર હોલ ખાતે યોજાયેલ સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને બાઈક રેલીનું આયોજન કરાયું છે. કચ્છના લખપતથી શરૂ થયેલ અને કેવડિયા ખાતે સમાપન થનાર આ બાઈક રેલી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશો પુરો પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની આઝાદી માટે રજવાડાઓને એક કરવા સરદાર પટેલ પુરા દેશમાં ફર્યા હતા. તેમણે સરદાર પટેલના કાર્યો આપણને સતત પ્રેરણા આપતા રહેશે તેમ જણાવી સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલએ વિશ્વ વિભૂતિ છે. નવી પેઢીને સરદારના વિચારો અને કાર્યોથી માહિતગાર કરવા બાઈક રેલી ખુબ જ ઉપયોગી બની રહેશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવી તેની નોંધ વિશ્વએ લીધી છે. તેમણે રાષ્ટ્રીય એકતાનો સંદેશ લઈને આવનાર મહિલા બાઈક સવારોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે બાઈક રેલીમાં જોડાયેલ તમામને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રારંભમાં ડીવાય એસ.પી. શ્રી એમ.બી.ભોજાણીએ સ્વાગત પ્રવચન કરતાં બાઈક સવારોનું અભિનંદન પાઠવતાં કહ્યું કે, બાઈક રેલી ધ્વારા એકતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે.
આ વેળાએ આયો રે – લોક્નૃત્ય, રાષ્ટ્રીય એકતા દિવસ અંગેની શોર્ટ ફિલ્મ નિદર્શન, તલવારબાજી – નિદર્શન, હૈદરાબાદ નિઝામની સરદાર સાથેની મુલાકાત, નાટ્યાત્મક નિરૂપણ, કરમસદનો કર્મયોગી, આરઝી હકુમત, ચારણ કન્યાની પ્રસ્તુતિ ધ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે બાઈક સવારોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી મહાનુભોવા દ્વારા સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર યોગેશભાઈ ચૌધરી, ઈ.ચા. પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સૂંડા, કમાન્ડન્ટ શ્રીમતિ હેતલ પટેલ, ડીવાયએસપી શ્રી જે.એસ.નાયક, નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, ક્રિકેટરશ્રી મુનાફભાઈ પટેલ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, બાઈક સવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના સમૂહગાન થયું હતું. અંતે બાઈક સવારોને મહાનુભાવો ધ્વારા ભરૂચ જિલ્લામાંથી લીલીઝંડી બતાવી વિદાય આપવામાં આવી હતી.
બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી ભરૂચ