ભરૂચની કલરવ શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોનો દિવાળી પર્વ પર અન્યના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકોએ 3 હજાર દીવડા શુભોભીત કર્યા છે. જેનું વેચાણ કરી તેના થકી થયેલી આવકમાંથી બાળકોને મીઠાઈ તેમજ ફટાકડાનું વિતરણ કરવામાં આવશે.
આ દિવાળી પર્વ પર ભરૂચમાં કાર્યરત કલરવ શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની ગજબની કલ્પના શક્તિ જોવા મળશે.આ બાળકો ભલે દિવ્યાંગ હોય પરંતુ તેમનામાં રહેલી કલ્પના શક્તિનો ઉજાશ લોકોનાં ઘરે ઘરે આ દિવાળી પર્વ પર પથરાશે.કલરવ શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ રસ કેળવી એ હેતુથી શાળા સંચાલકો દ્વારા દિવાળીમાં ઉપયોગમાં લેવાતા માટીના કોડિયા લાવવામાં આવ્યા હતા જેને દિવ્યાંગ બાળકોએ વિવિધ રંગ દ્વારા શુશોભિત કરવામાં આવ્યા છે.
કલરવ શાળાના સંચાલિકા નીલાબહેન મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બાળકો દ્વારા 3 હજાર દીવડા શુશોભિત કરવામાં આવ્યા છે જેનું દિવાળીના દિવસોમાં વેચાણ કરવામાં આવશે.આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ પણ ઉભા કરાશે.દીવડાનાં વેચાણ થકી જે આવક થશે તેના દ્વારા બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરાશે અને બાળકો ને પ્રોત્સાહિત કરાશે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી