



ભરૂચઃ ગુરૂવારઃ- છેવાડાના નાગરિકોને વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો(ગ્રામ્ય) સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય જે અન્વયે ભરૂચ જિલ્લામાં તા.૨૨-૧૦-૨૦૨૧ થી તા.૦૫-૦૧-૨૦૨૧ દરમ્યાન સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે જે તે તાલુકાકક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમિતિ બનાવી તાલુકામાં ૬ થી ૮ ગામો વચ્ચે કલ્સ્ટર બનાવી એક ગામમાં કેમ્પ ગોઠવી સ્થળ ઉપર રજૂઆતોનો નિકાલ કરવાનો રહેશે. સાથે સાથે સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે રીતનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને ભારપૂર્વક કહ્યું હતું.
ભરૂચ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત તા.૨૨-૧૦-૨૦૨૧ ના રોજ જંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે લીગલ સર્વિસ કેમ્પ/સેવાસેતુ કાર્યક્રમથી થશે. તા.૨૩-૧૦-૨૦૨૧ ને શનિવારના રોજ ભરૂચ તાલુકાના સામલોદ, વાગરા તાલુકાના અંભેટા, આમોદ તાલુકાના ઈખર, અંકલેશ્વર તાલુકાના અડોલ, હાંસોટ તાલુકાના ધમરોડ, ઝઘડીયા ખાતે, વાલીયા તાલુકાના ગુંદીયા, નેત્રંગ તાલુકાના થવા ગામે જ્યારે ભરૂચ નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં.૩, ૪, ૮ નો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં જુદા જુદા ૧૩ વિભાગના ૫૬ જેટલી સેવાસો કેમ્પ દરમ્યાન પુરી પાડવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે કાર્યક્રમના સ્થળ પર અન્ય સુવિધાઓ જેવી કે નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી ઈત્યાદિ પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. સિનિયર સીટીઝન અને દિવ્યાંગ અરજદારો માટે અલાયદી અને યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ